મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરનું સૌથી અસરગ્રસ્ત રાજ્ય કઈ રીતે બન્યું? | How did Maharashtra develop into essentially the most affected state of the second wave of Corona?


India

-BBC Gujarati

By BBC Information ગુજરાતી

|

ભારતમાં પાછલા ઘણા દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જાણકારો તાજેતરના આ વધારાને કોરોનાની ‘બીજી લહેર’ ગણાવી રહ્યા છે.

તેમાં પણ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં સતત વિક્રમજનક વધારો નોંધાઈ રહ્યો છે.

ગત વર્ષે જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે પણ મહારાષ્ટ્રના મુંબઈમાં અને ધારાવીમાં સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ હતી. હવે ફરી વાર રાજ્યમાં કેસો સતત વધી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સરેરાશ 20-30 હજારથી વધુ નવા કેસો નોંધાઈ રહ્યા હતા. વળી ‘બીજી લહેર’માં તો પહેલી લહેર કરતાં અત્યંત વધુ કેસો નોંધાઈ રહ્યા છે.

જોકે મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો નથી જોવા મળ્યો. સરકાર અને વહીવટીતંત્ર વાઇરસને કાબૂમાં લેવા જહેમત કરી રહ્યું છે. પરંતુ મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર જ બનતી જઈ રહી છે.


મહારાષ્ટ્રમાં ભારતમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે

સરકારી આંકડા મુજબ દેશમાં જે દૈનિક નવા કેસો નોંધાઈ રહ્યા છે. તેમાં મોટા ભાગે મહારાષ્ટ્રના કેસોનું પ્રમાણ ટોચમાં જોવા મળી રહ્યું છે.

ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના સંક્રમણના નવા દૈનિક કેસો 50 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રની સ્થિતિ મામલે કેન્દ્ર સરકારે મોકલેલી ટીમે પણ એક રિપોર્ટ સબમિટ કરી કેટલીક ભલામણો કરી હતી.

ઉપરાંત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે પણ મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરી સીતારામ કુંતેને પત્ર લખી રાજ્યમાં કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે કેટલીક બાબતો જણાવી હતી.

કહેવાય છે કે પત્રમાં કહેવાયું હતું કે “રાજ્ય સહકાર રાત્રી કર્ફ્યુ અને સપ્તાહના અંતે જે લૉકડાઉન કે આંશિક લૉકડાઉનનાં પગલાં લે છે, તે પૂરતાં નથી.”

આથી તેમને વધુ પગલાં લેવા માટે કહેવાયું છે અને રસીકરણને વેગ આપવા પણ કહેવામાં આવ્યું છે.

વળી કેન્દ્ર સરકારનું કહેવું છે કે દૈનિક જે વિક્રમજનક સ્તરે કેસો નોંધાય છે તેવા ટોચના 10 જિલ્લાઓમાંથી eight મહારાષ્ટ્રના છે.

તથા પુણેમાં સ્થિતિ ગંભીર બનતા ત્યાં આજે સેમી-લૉકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે, જેમાં સાત દિવસ સુધી કેટલાંક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

મહારાષ્ટ્રમાં કોવિડ-19ની સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યનાં મુંબઈ, નાગપુર અને પૂણે શહેરોમાં ખાસ કરીને સ્થિતિ વધુ વકરી છે.

રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા બેઠક બોલાવી હતી અને રાજ્યમાં ફરી લૉકડાઉનની ચર્ચા વચ્ચે શુક્રવારે રાત્રે સાડા વાગ્યે તેમણે પ્રજાજોગ સંબોધન પણ કર્યું. તેમાં તેમણે ફરીથી એક લૉકડાઉનની શક્યતાને નકારી ન શકાય એવું કહ્યું હતું.

જ્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 1 એપ્રિલ, 2021ના રોજ 43,183 નવા કેસો નોંધાયા હતા, જે પૈકી 14,786 કેસો મુંબઈ સર્કલમાં નોધાયા હતા. તેમજ પુણેમાં 9,309 કેસો નોંધાયા હતા.

તેમજ 31 માર્ચના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 39,544 કેસ નોંધાયા હતા, જે પૈકી મુંબઈ સર્કલમાં 9,941 નવા કેસો નોધાયા હતા. જ્યારે પુણેમાં 9,571 નવા કેસો નોંધાયા હતા.

https://www.youtube.com/watch?v=M-5ULufrgwY

બીજી એપ્રિલે મહારાષ્ટ્રમાં કોરોનાના 47 હજાર 827 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 202 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

શુક્રવારે મુંબઈ (આઠ હજાર 844), પુણે (ચાર હજાર 766), નાગપુરમાં (ત્રણ હજાર ચાર), નાસિક (બે હજાર 282) કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં ઍક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 89 હજાર 832 ઉપર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 55 હજાર 379 લોકોનાં મૃત્યુ થયાં છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના 4,108 નવા કેસ અને 60 મૃત્યુ નોંધાયાં હતાં.


ગુજરાત અને દેશની સ્થિતિ

શુક્રવારની સ્થિતિ પ્રમાણે, ગુજરાતમાં 13 હજાર 559 ઍક્ટિવ કેસ હતા, જેમાંથી 158 દર્દી વૅન્ટિલેટર ઉપર હતા.

રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન વધુ 11 મૃત્યુ નોંધાતાં કુલ મરણાંક (ચાર હજાર 539) પર પહોંચ્યો છે.

રાજ્યના ચાર કૉર્પોરેશન વિસ્તારોમાં ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. અમદાવાદ (621), સુરત (506), વડોદરા (322), રાજકોટ (262), ભાવનગર (43), જામનગર (33), ગાંધીનગર (26) અને જૂનાગઢ (11) કેસ નોંધાયેલા છે.

દેશની વાત કરીએ તો છ લાખ 14 હજાર 696 કેસ ઍક્ટિવ છે, જેમાંથી 30 હજાર 641 કેસ ગત 24 કલાક દરમિયાન નોંધાયા હતા.

50 હજાર 356 દરદીઓને રજા આપવામાં આવી હતી. 469 દરદીઓનાં અવસાન થયાં હતાં. આ સાથે જ દેશનો કુલ મૃત્યુઆંક એક લાખ 63 હજાર 396 ઉપર પહોંચ્યો છે.

શુક્રવારે 36 લાખ 70 હજાર કરતાં વધુ નાગરિકોને વૅક્સિન આપવામાં આવી હતી. કુલ છ કરોડ 87 લાખ 89 હજાર કરતાં વધુ વૅક્સિન ડોઝ અપાયા છે.

સમગ્ર ભારતની વાત કરીએ તો covid19india.org વેબસાઇટ પ્રમાણે 1 એપ્રિલના રોજ જારી અનુસાર કોરોનાના નવા 81,398 નવા કેસો નોંધાયા હતા.

જ્યારે 31 માર્ચના આંકડા અનુસાર સમગ્ર દેશમાં કોરોના વાઇરસના 72,113 નવા કેસો નોધાયા હતા. ઉપરાંત 30 માર્ચના રોજ સમગ્ર ભારતમાં કોરોનાના કુલ 53,237 નવા કેસો નોંધાયા હતા.

આમ દરેક પસાર થતાં દિવસની સાથે કોરોના દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.


મહારાષ્ટ્રમાં કેમ આટલી ઝડપથી વધી રહ્યા છે કેસ?

મહારાષ્ટ્રમાં પાછલા અમુક દિવસોથી કોરોનાના કેસોમાં થઈ રહેલા સતત વધારાનાં કારણો અંગે પોતાનું મંતવ્ય રજૂ કરતાં મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના પ્રમુખ ડૉ. શિવકુમાર ઉતુરેએ કહ્યું કે, “મહારાષ્ટ્રમાં કેસોમાં થઈ રહેલા વધારા માટે સૌથી મોટું જવાબદાર પરિબળ લોકોની માનસિકતા હતી. કારણ કે લોકોએ એવું માની લીધું હતું કે હવે તો કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે.”

“કોરોના તો જતો રહ્યો. એના કારણે ઘણા લોકોએ સાવચેતીનાં પગલાં લેવાનું ટાળવાનું શરૂ કરી દીધું.”

“લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પ્રત્યે ઓછા સભાન થઈ ગયા. ઉપરાંત રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થતાં અન્ય રાજ્યોના લોકોની અવરજવર પણ વધી. અને મહારાષ્ટ્રમાં પહેલાંથી જ વસતિગીચતા વધુ હોવાના કારણે વાઇરસ ફેલાવવાનું જોખમ વધી ગયું. આ તમામ બેદરકારીઓનું પરિણામ આપણે હાલ જોઈ રહ્યા છીએ.”

https://www.youtube.com/watch?v=h7CygL_gs_U

ડૉ. ઉતુરે આગળ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારા પાછળનાં સંભવિત કારણો અંગે વાત કરતાં કહે છે કે, “મહારાષ્ટ્રમાં તંત્ર દ્વારા પાછલા કેટલાક સમયથી ખૂબ જ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ અને ટ્રૅસિંગની પ્રવૃત્તિ કરાઈ રહી છે. જે કારણે કોરોનાના નવા કેસો ઝડપથી સામે આવી રહ્યા છે.”

ડૉ. ઉતુરેની આ વાત સાથે સંમત થતાં મહારાષ્ટ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. રાહુલ પંડિત જણાવે છે કે, “હાલ રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં ટેસ્ટિંગ અને ટ્રૅસિંગની કામગીરી ચાલી રહી હોવાના કારણે આ વધારો જોવા મળી રહ્યો છે. જોકે આવનારાં એક-બે અઠવાડિયાંમાં સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે.”

આ સિવાય ડૉ. પંડિત માને છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારા માટે નવા સ્ટ્રેનનો વધુ પડતો ફેલાવો પણ અમુક હદે જવાબદાર હોઈ શકે છે.

તેઓ કહે છે કે, “આ બધામાં પણ કોરોનાના કેસોમાં થઈ રહેલા જોવા મળી રહેલા વધારા માટે સૌથી મોટું કારણ લોકોની બેદરકારીને ગણાવી શકાય.”


શું લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે?

વળી કોરોના પ્રત્યે લોકોની માનસિકતા કેવી રહી છે અને શું તેનો મહારાષ્ટ્રમાં વધેલા કેસો સાથે સંબંધ છે કે કેમ. તે જાણવાની બીબીસીએ કોશિશ કરી.

આ મામલે મુંબઈના નાણાવટી અને જસલોક હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. પારુલ દોશીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકોમાં પહેલાં કરતાં હવે માનસિકતા બદલાઈ ગઈ છે.

તેમણે જણાવ્યું, “પહેલાં લોકોમાં ડર હતો, પણ હવે લોકોને વધુ ડર હોય એવું નથી લાગતું, કેમ કે રસી આવી ગઈ છે, મૃત્યુદર અન્ય દેશો કરતાં ઓછો છે એટલે તેઓ વિચારે છે કે હવે ડરવાની કોઈ જરૂર નથી.”

“જેથી તેઓ કોરોનાને કાબૂમાં લેવા માટે જે સાવચેતીનાં પગલાં છે, તે લેવામાં પૂરતી કાળજી નથી રાખી રહ્યા. તેઓ માસ્ક નથી પહેરતાં, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવતા.”

“પરંતુ માનસિક તણાવ વધી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. બાળકોમાં પણ તેની અસર જોવી મળી રહી છે.”


મહારાષ્ટ્ર સરકારે કોરોનાને રોકવા માટે શું કર્યું?

મહારાષ્ટ્ર સરકારે પાછલા અમુક દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને રોકવા માટે રાજ્યમાં તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ લાદી દીધો હતો.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ અધિકારીઓને રાજ્યના અર્થતંત્રને વધુ અસર ન થાય તેવી રીતે લૉકડાઉન લાગુ કરવા માટેની યોજના ઘડવાનું કહ્યું છે.

જોકે મહારાષ્ટ્ર સરકારના ઘણા નેતાઓ અગાઉ કહી ચૂક્યા છે કે રાજ્યમાં લૉકડાઉન લાદવું તેમના માટે અંતિમ વિકલ્પ હશે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ શુકવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે “જો રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વણસશે તો તેવી પરિસ્થિતિમાં લૉકડાઉન અંગે પણ વિચારી શકાય છે.”

શુક્રવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યમાં વધતા કોરોનાના કેસો માટે લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં પુણેમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. જે કારણે હવે પુણેમાં સાંજના છ વાગ્યાથી માંડીને સવારના છ વાગ્યા સુધીનો કર્ફ્યુ જાહેર કરી દેવાયો છે.

આવનારા સાત દિવસ માટે મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો બિલકુલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જ્યારે સમગ્ર રાજ્યમાં રાત્રિના આઠ વાગ્યાથી માંડીને સવારના સાત વાગ્યા સુધીનો નાઇટ કર્ફ્યુ અમલ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

રાજ્યના બેડ (62 ટકા), આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) 48 ટકા, અને ઓક્સિઝન બેડ (25 ટકા) ભરાઈ ગયા છે. જો આવી જ સ્થિતિ રહી તો આગામી 15-20માં આરોગ્યક્ષેત્રે ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે.


https://www.youtube.com/watch?v=jhlTsX0uYN0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Source link